ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના જીવનસફર પર એક નજર
કર્તવ્યનિષ્ઠા, ન્યાયપ્રિયતા અને સામાજિક કુરિવાજો સામે ક્રાંતિકારી વિચારો થકી જાહેરજીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું જીવન સંકલ્પશક્તિનું જીવંત દ્રષ્ટાંત છે. છેક ૧૯૯૮થી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સેવા આપતા શ્રીમતી આનંદીબેન પટેલે અત્યાર સુધીમાં શિક્ષણ, માર્ગ અને મકાન, મહિલા અને બાળ વિકાસ, આપત્તિ વ્યવસ્થાપન, મહેસૂલ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ જેવા વિભાગોનો કાર્યભાર સંભાળીને ગુજરાતના વિકાસ મોડલમાં નોંધપાત્ર યોગદાન આપ્યુ છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે તા. ૨૧ નવેમ્બર, ૧૯૪૧ ના રોજ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ખેડૂત પિતાના ઘરે સામાન્ય પરિસ્થિતિમાં જન્મેલા શ્રીમતી આનંદીબેન પટેલ સિધ્ધાંતપ્રિય અને નૈતિક મૂલ્યોના આગ્રહી છે. શ્રીમતી આનંદીબેન પટેલને રાષ્ટ્રપ્રેમ, સાદગી, પ્રમાણિકતા, નીડરતા, આત્મવિશ્વાસ, પરિશ્રમ, સંવેદનશીલતા અને દ્રઢ નિશ્ચય જેવા ગુણો વિરાસતમાં મળ્યા છે. પ્રાથમિક શિક્ષણ તેમણે કુમારશાળા તથા નૂતન સર્વવિદ્યાલય-વિસનગરમાં લીધું, જેમાં તેઓ એકમાત્ર વિદ્યાર્થીની હતા. મહેસાણા જિલ્લા શાળા રમતોત્સવમાં જિલ્લામાં પ્રથમ આવવા બદલ વીરબાળા પુરસ્કાર પ્રાપ્ત કર્યો. કોલેજ શિક્ષણમાં જુનીયર બી.એસ.સી સુધી પિલવાઈની વિજ્ઞાન કોલેજમાં પણ તેઓ એકમાત્ર વિદ્યાર્થીની હતા. અભ્યાસની મક્કમતા એવી હતી કે દિકરાના જન્મના વર્ષે જ બી.એડ માં એડમિશન લીધું અને એમ.એન. કોલેજ વિસનગરમાં એમ.એસ.સી તથા બી.એડ અને એમ.એડ કર્યું. અનેક જવાબદારીઓ તથા તકલીફો વચ્ચે અભ્યાસ કરતા રહીને કૌટુંબિક જવાબદારી નિભાવતા રહીને અભ્યાસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
વર્ષ ૧૯૬૭ થી ૧૯૯૭ સુધી અમદાવાદની મોહિનાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે સેવા આપી, જેમાં પાછલા ૧૧ વર્ષ આચાર્ય તરીકે સેવા આપી. વર્ષ ૧૯૮૬માં શાળાની વિદ્યાર્થીઓને નર્મદા ડેમના પ્રવાસે લઈ ગયેલા ત્યારે અકસ્માતે પાણીના પ્રવાહમાં પડી ગયેલી બે બાળાઓને પોતાના જીવના જોખમે બચાવી. તેમની આવી માનવીય સંવેદના તથા હિમંતભરી સેવા બદલ ગુજરાત સરકારે તેમને સાહસ અને શૌર્ય એવોર્ડ આપ્યો. વર્ષ ૧૯૮૮માં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુજરાતના રાજ્યપાલ દ્વારા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રેષ્ઠ શિક્ષક તરીકેના ભારત સરકારના પુરસ્કારથી તેઓને રાષ્ટ્રપતિશ્રી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા.
શ્રીમતી આનંદીબેન પટેલ પહેલેથી જ બાળવિવાહ, મૃત્યુ પ્રસંગે બારમા વગેરે જેવી રૂઢિઓ અને કુરિવાજોના સખ્ત વિરોધી તથા વિધવાવિવાહના હિમાયતી રહ્યા. ધરતીવિકાસ મંડળના માધ્યમથી પ્રથમવાર ગરીબ દીકરીઓના લગ્નો અને સમૂહલગ્નોનું આયોજન શરૂ કરીને સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા. સામાજિક જડતાઓ સામે તો જાણે તેમણે જંગ છેડ્યો. પોતાના સગા ભાઈના પુત્રના બાળલગ્ન અટકાવવા સમજાવટ પછી પણ ન માનતા પોલીસની મદદ લઈને બાળલગ્ન થતા અટકાવ્યા. પોતાના બંને બાળકોને માત્ર પાંચ માણસોની હાજરીમાં સાદગીથી પરણાવ્યા. આમ,પોતે જે વિચારે અને કહે છે તેની ઉપર પૂરો અમલ કરીને અને સિધ્ધાંત સાથે બાંધછોડ ન કરીને સમાજ સુધારણા માટે તેમણે એક દાખલો બેસાડ્યો.
ગુજરાતમાં ત્રણ વર્ષ લગાતાર દુષ્કાળ પડ્યો ત્યારે તે પરિસ્થિતિનો અભ્યાસ કરવા ભારતીય જનતા પક્ષની ન્યાય યાત્રા નીકળી, જે દરમ્યાન મહિલાઓ અને બાળકોની દયનીય સ્થિતિ જોઈને હૈયું દ્રવી ઉઠતાં મહિલાઓ તથા બાળકો માટે કંઈક કરી છૂટવા તેઓ સંકલ્પબધ્ધ બન્યા. તેમની સેવા તત્પરતા પારખીને ભારતીય જનતા પાર્ટીએ તેમને ૧૯૮૬માં પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યું અને મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી અને આ રીતે જાહેર જીવનમાં તેમનો પ્રવેશ થયો.
આતંકવાદીઓએ પ્રજાસત્તાક દિને કાશ્મીરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી બતાવવાનો પડકાર ફેંક્યો ત્યારે ૧૯૮૯માં ભાજપે ડો. મુરલી મનોહર જોષીની આગેવાની હેઠળ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા શરૂ કરી, જેના સારથી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. આ યાત્રામાં ગુજરાતના એકમાત્ર મહિલા નેતા તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે ભાગ લીધો. મૃત્યુનો ભય રાખ્યા વિના આતંકવાદીઓની ગોળીઓ અને બોમ્બ ધડાકાઓના આતંક વચ્ચે લાલચોકમાં તિરંગો ફરકાવીને આતંકવાદીઓને ભારતીયોના સામર્થ્યનો અને પોતાની નિર્ભયતાનો પરચો આપ્યો.
વર્ષ ૧૯૯૪ થી ૧૯૯૮ દરમ્યાન રાજ્યસભાના સભ્ય તરીકે જવાબદારી નિભાવી અને સંસદમાં ગુજરાતના પ્રશ્નોને વાચા આપી. ભારતના પ્રતિનિધિમંડળમાં બેઈજિંગ ખાતે આયોજિત ચોથી વિશ્વ મહિલા પરિષદમાં ભાગ લીધો. ભારતના સંસદીય પ્રતિનિધિમ્ંડળમાં વિરોધપક્ષના નેતા શ્રી અટલબિહારી વાજપાઈ અને લોકસભાના અધ્યક્ષ શ્રી પી.એ. સંગમા સાથે બલ્ગેરિયાની મુલાકાત લીધી.
વર્ષ ૧૯૯૮માં વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે અમદાવાદના માંડલ મતવિસ્તારના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ. તદ્દન અજાણ્યો મતવિસ્તાર હોવા છતાં સંગઠનની કાબેલિયત હોવાને કારણે ચૂંટણીમાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો. ભાજપની સરકારમાં તેમની શિક્ષણ તથા મહિલા બાળકલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે નિમણૂંક થઈ. શિક્ષણમંત્રી તરીકે તેમણે વિદ્યાસહાયક, વિદ્યાલક્ષ્મી, વિદ્યાદીપ, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, શાળા આરોગ્ય કાર્યક્રમ, લોકશિક્ષણ જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણ્યું. પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવી, અનિયમિત થતી પરીક્ષાઓને નિયમિત સ્વરૂપ આપ્યુ. શિક્ષકોની ભરતી તથા બદલીઓ લાયકાત અને વરિષ્ટતાને આધારે જ થાય તેવી ચુસ્ત અને પારદર્શક વ્યવસ્થા ગોઠવી. એ દિવસોમાં મહિલા અને બાળ કલ્યાણની કામગીરી પણ શિક્ષણ વિભાગ દ્વારા જ સંભાળવામાં આવતી હતી. પરંતુ આ બંને ક્ષેત્રોના પ્રશ્નો પર અલગ રીતે ધ્યાન આપવા માટે તેમના કાર્યકાળમાં એક અલાયદા મહિલા અને બાળકલ્યાણ વિભાગની રચના કરવામાં આવી.
વર્ષ ૨૦૦૨માં તેમણે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનના સભ્ય તરીકે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી. પોતાની અમેરિકા તથા યુ.કે ની મુલાકાત દરમ્યાન તેમણે મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ રાજ્ય તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. પોતે જે દેશ-પ્રદેશની મુલાકાત લે ત્યાંની નીતિઓ, સંસ્કૃતિ અને જીવનશૈલી અંગે જાણવા-સમજવાનો તેમનો કાયમ પ્રયાસ રહ્યો.
વર્ષ ૨૦૦૨માં પાટણ મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને વિજયી બન્યા. નવી સરકારમાં તેમને શિક્ષણ, મહિલા અને બાળકલ્યાણ ઉપરાંત રમતગમત-યુવા સાંસ્કૃતિક વિભાગના કેબિનેટ મંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો. શ્રીમતી આનંદીબેને પક્ષે સોંપેલી તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા રહીને લોકસેવાના કાર્યને જીવનમંત્ર બનાવી દીધો. ખેલકૂદ ક્ષેત્રે પ્રતિભાવાન રમતવીરોને પ્રોત્સાહન અને તાલીમ આપીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓ સિધ્ધિ હાંસલ કરી શકે તે માટે ‘શક્તિદૂત’યોજના શરૂ કરવામાં આવી. ઈનામો આપીને શિક્ષણમંત્રી તરીકેના તેમના આ કાર્યકાળમાં ‘કન્યા કેળવણી’નું રાજ્યવ્યાપી અભિયાન ચલાવાયું. આ ઉપરાંત બાળકોને પૌષ્ટિક આહાર, આરોગ્ય કાર્યક્રમ, બહેનોને યુનિફોર્મ, સખીમંડળોની રચના, માતા યશોદા ભવિષ્યનિધિ, બાલભોગ, મહિલા કલ્યાણ કેન્દ્રો, નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય, મિલકતોની નોંધણી ફીમાંથી મહિલાઓને મુક્તિ, બેટી બચાવો અભિયાન વગેરે જેવી અનેક મહિલાલક્ષી યોજનાઓના અમલીકરણમાં શ્રીમતી આનંદીબેન પટેલની દીર્ઘદ્રષ્ટિ, પાયાની સમજ અને પ્રતિબધ્ધતાનો નોંધપાત્ર ફાળો રહ્યો. પોતાને સોંપાયેલા તમામ વિભાગોમાં તેમણે અસરકારક કામગીરી કરીને કુશળ વહીવટકર્તા તરીકે નોંધપાત્ર પ્રગતિ કરી બતાવી. જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા નારી સંરક્ષણ ગૃહોમાં આવતી અનાથ કન્યાઓ માટે શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા તેમના લગ્નો સમાજના સહયોગથી પ્રથમવાર શરૂ કરાવ્યા. મહિલા અને બાળકોનું કલ્યાણ તેમના હ્રદયમાં વસેલુ છે. આ તેમના માટે માત્ર એક જવાબદારી નથી, પણ તેમના જીવનનું મિશન છે.
વર્ષ ૨૦૦૭માં ફરી એકવાર પાટણ મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા. આ વખતે તેમને મહેસૂલ, માર્ગ-મકાન, મહિલા અને બાળકલ્યાણ, આપત્તિ વ્યવસ્થાપન અને પાટનગર યોજના જેવા મહત્વના વિભાગના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ. મહેસૂલમંત્રી તરીકે તેમણે નાનામાં નાના ખેડૂતથી લઈને મોટામાં મોટા ધંધાર્થી માટે રાજ્યનો મહેસૂલ વહીવટ સરળ અને પારદર્શી બનાવવા માટે મહેસૂલ વિભાગમાં ૧૦૦ થી વધુ સુધારાઓ કર્યા અને હિંમતપૂર્વકના નિર્ણયો લઈને તેનો ચૂસ્ત અમલ કર્યો. જમીનના વહીવટમાં પ્રમાણિકતા, પારદર્શિતા અને સંવેદનશીલતા લાવ્યા. ટેક્નોલોજીના સુચારુ ઉપયોગ થકી વહીવટ સરળ અને ઝડપી બનાવ્યો. ઈ-ધરા, જમીનના સર્વે, પ્રીમિયમની ગણતરીમાં પારદર્શિતા, રેવન્યૂ રેકર્ડ્ઝનું કોમ્પ્યુટરાઈઝેશન, અદ્યતન મહેસૂલી મકાનોના બાંધકામ જેવા અનેક મહત્વના કાર્યો પાર પાડ્યા. રાજ્યના માર્ગોને વિશ્વસ્તરીય શ્રેષ્ઠ બનાવ્યા. નર્મદા કેનાલો માટે જમીન સંપાદનની અતિ કપરી કામગીરી ધરતીપુત્રોના હિતોને ધ્યાને રાખીને જવાબદારીપૂર્વક અને સર્વસંમતિથી સફળતાપૂર્વક પાર પાડી બતાવી. આ સમય દરમ્યાન તેમણે પાટણ, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, સુરત અને નવસારીના પ્રભારીમંત્રી તરીકે આ જિલ્લાઓના વિકાસની સુંદર કામગીરી કરી.
સ્વર્ણિમ ગુજરાત વર્ષમાં ગોવા, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશનો પ્રવાસ કરીને ત્યાં વસતા ગુજરાતી લોકોના આર્થિક, સામાજિક, ઔદ્યોગિક તેમજ શિક્ષણ વિષયક પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાતી સમાજ સાથે સંકલન સાધ્યું. પોતાના મતવિસ્તાર પાટણમાં દસ વર્ષના ટૂંકાગાળા દરમ્યાન રૂ. ૧૪૦૦ કરોડ જેવી માતબર રકમના વિકાસકાર્યો કરીને પાટણની કાયાપલટ કરી. પાટણમાં તેમણે ભૂગર્ભ ગટર યોજના કાર્યરત કરાવીને પાટણને ગંદકીમુક્ત કર્યું.
વર્ષ ૨૦૧૨માં ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ચૂંટણી જીતીને તેઓ ધારાસભ્ય બન્યા. તેમને મહેસૂલ, માર્ગ-મકાન વિભાગ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી તરીકેની મહ્ત્વની જવાબદારી સોંપવામાં આવી. શહેરી વિકાસમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં ૧૪૨ ટાઉન પ્લાનીંગ યોજનાઓ બનાવીને તેને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું, જે અંતર્ગત શહેરી આંતરમાળખાકિય સુવિધાઓ, ખુલ્લી જગ્યાઓ અને જાહેર આવાસો માટે વધારાની ૭૫૦૦ હેક્ટર શહેરીકરણ યોગ્ય જમીન ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, શહેરોનું યોગ્ય રીતે વિસ્તૃતિકરણ થઈ શકે તે માટે ૨૦ શહેરોના માસ્ટર પ્લાનમાં સુધારા કરવામાં આવ્યા. પ્રાથમિક શહેરી આંતરમાળખા માટે થતા ખર્ચને બમણો કરવામાં આવ્યો. પાણી પૂરવઠાનું માળખું વધુ સુદ્રઢ બનાવવાનું અને ૧૫૯ નગરો તથા નગરપાલિકાઓ સહિત ગુજરાતના તમામ શહેરોને આધુનિક ભૂગર્ભ ગટર સુવિધા પ્રદાન કરવાનું મહત્વાકાંક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યું. ગુજરાતના શહેરોને વર્ષ ૨૦૨૨ સુધીમાં (ભારતની આઝાદીના ૭૫ વર્ષ) ઝુંપડપટ્ટીથી મુક્ત કરવાના નિર્ધાર સાથે વિવિધ નીતિઓ અને આવાસ યોજનાઓને આવરી લેતી પંચવર્ષીય યોજના નક્કી કરવામાં આવી અને આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે ૩.૪૭ લાખ આવાસ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું.
પોતાના જાહેર જીવન દરમ્યાન સંગઠન ક્ષેત્રે શ્રીમતી આનંદીબેન પટેલે રાષ્ટ્રીય કક્ષાએ અનેકવિધ જવાબદારીઓ અને હોદ્દા સંભાળ્યા. રાજ્યના પાયાના કાર્યકરો સાથે તેઓ સતત વિચાર-વિમર્શ ઉપરાંત શિબિરો અને સંમેલનોના માધ્યમથી વ્યક્તિગત સંપર્કમાં રહ્યા. દર સપ્તાહે પોતાના મતવિસ્તારની મુલાકાત લઈ સ્થળ ઉપર જ પ્રશ્નોના નિકાલનો અભિગમ અખત્યાર કરીને તેમણે લોકહ્રદયમાં પ્રજાના પ્રતિનિધિ તરીકેનો વિશ્વાસ બુલંદ કરી દીધો.
વર્ષ ૨૦૧૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે આરુઢ થતા ગુજરાત રાજ્યના મહિલા મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર શ્રીમતી આનંદીબેન પટેલને સોંપવામાં આવ્યો. રાજ્યના વડા તરીકે સેવાની તક પ્રાપ્ત થતાં જ શ્રીમતી આનંદીબેન પટેલે ‘ગતિશીલ ગુજરાત’કાર્યક્રમ અંતર્ગત સરકારના દરેક વિભાગોમાં લક્ષ્ય આધારિત કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની કાર્યસંસ્કૃતિ ઊભી કરી છે.
મહિલાઓના ઉત્કર્ષ માટે તેમણે મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલા સ્વાસ્થ્યના ત્રણ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ દિશામાં ઐતિહાસિક નિર્ણય કરીને તેમણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦% આરક્ષણ અપાવ્યું છે અને પોલીસ ભરતીની તમામ કેડરમાં ૩૩ ટકા મહિલા અનામતની ઘોષણા કરી છે. આ ઉપરાંત સ્ત્રીભૃણ હત્યાની ક્રૂર પ્રથા બંધ કરવા માટે તેમણે ભૃણની જાતિતપાસ કરનારા તબીબો સામે કડક પગલા લીધા છે. સમાજ દીકરા અને દીકરીને સમાન નજરથી જોતો થાય તે માટે કાયમ લોકોને આહવાન કરે છે અને આ માટેની પ્રચંડ જનચેતના તેમણે જગાવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છ ભારતની હાકલ ઝીલીને તેમણે રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો ભગીરથ યજ્ઞ આદર્યો છે. આ માટે તેમણે ‘મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિ’નું નિર્માણ કર્યું છે. સ્વચ્છતાની સાથે-સાથે મહિલાઓને ખુલ્લામાં હાજતે જવાના ક્ષોભ-શરમથી મુક્તિ અપાવવા તેમણે ઘર-ઘર શૌચાલય નિર્માણનું કાર્ય મોટા પાયે જનભાગીદારીદ્વારા શરૂ કરાવ્યું છે. પંચાયત અધિનિયમમાં ક્રાંતિકારી ઉમેરો કરીને તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે ઘર-શૌચાલયની સુવિધા હોવી ફરજિયાત બનાવી છે.
કૂપોષણની નાબૂદીના ઉદ્દેશ્યના પ્રતિકરૂપે પોતાના સ્વાગત સત્કારમાં ફુલોના બદલે ફળફળાદિ, કઠોળ વગેરે પૌષ્ટિક ચીજો સ્વીકારીને તેને રાજ્યની આંગણવાડીઓના બાળકોના પોષણ માટે આપવાનો ઉદાત્ત અભિગમ દાખવ્યો છે. ગરીબ બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓને દૂધ સહિતનો પૌષ્ટિક આહાર પ્રદાન કરવા માટે તેમણે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે.
ગુજરાતના યુવાનો શારીરિક રીતે ખડતલ બને અને રમતગમત ક્ષેત્રમાં રુચિ કેળવે તે માટે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનો નિર્ધાર તેમજ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકતા રાજ્યના રમતવીરોને રૂ. ૧ લાખથી લઈને ૫ કરોડ સુધીના રોકડ પુરસ્કાર આપીને તેમની સિધ્ધિને બિરદાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
સદગુણી વ્યક્તિત્વ, અનુશાસનપ્રિય કાર્યશૈલી અને લોકસેવા ક્ષેત્રે પ્રભાવશાળી પ્રદાનને કારણે શ્રીમતી આનંદીબેન પટેલનું નેતૃત્વ જનમાનસના અંત:કરણને સદાય સ્પર્શતુ રહ્યુ છે. ‘નારી તુ નારાયણી’ ઉક્તિને ચરિતાર્થ કરનારા શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે પોતાના વહીવટી કૌશલ્ય થકી રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઉંચાઈ સુધી લઈ જવા સમર્થ નેતૃત્વ પૂરું પાડ્યું છે.
No comments:
Post a Comment